ઉતર ગુજરાતમાં અનુમાન કરતાં 60 ગણો વધુ વરસ્યો, વડાલી અને ઈડર પંથકમાં કરા પડ્યા

અરવલ્લી સમાચાર બ્યુરો

પશ્ચિમી પવનો સાથે ઉત્તર અફઘાનિસ્તાનમાં બનેલા ચક્રવાત તેમજ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર બનેલા હવાના નબળા દબાણના કારણે શનિવારે ઉત્તર ગુજરાતના 47 પૈકી 40 તાલુકામાં કરા સાથે માવઠું થયું હતું. વડગામના મેપડામાં ઘાસચારો કાપતાં મોંઘજીભાઇ નવાભાઇ ઠાકોર પર વીજળી પડતાં મોત થયું હતું.2 વ્યક્તિને ઇજા પહોંચી હતી. તેમજ વીજકરંટથી 6 પશુનાં મોત થયાં હતા. હવામાન વિભાગની આગાહી મુજબ શનિવાર બપોર બાદ સાબરકાંઠાના આકાશમાં ગોરંભાયેલા કાળા ડિંબાંગ વાદળોએ ભારે પવન અને ગાજવીજ સાથે વરસવાનું શરૂ કરતાં ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા. ઇડર અને વડાલી પંથકના પશ્ચિમોત્તર વિસ્તારમાં કરા પડતાં લોકોને ઘરમાં ઘૂસી જવું પડ્યું હતું. અરવલ્લીમાં હવામાન વિભાગની કમોસમી માવઠાની આગાહીના પગલે માંડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો .

 જિલ્લાના અનેક સ્થળોએ વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હોવાનું નોંધાયું હતું.મોડાસા, માલપુર, ધનસુરા, બાયડ અને ભિલોડા તાલુકામાં સાંજે 4 થી રાત્રિના 8 દરમિયાન 37મી એટલે કે દોઢ ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો.મોડાસાના મુન્શીવાડા, અમલાઈ અને માલપુરના અણિયોર ઉભરાણ પંથકમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ઘઉં અને ચણામાં મોટી નુકસાની થઈ હતી. જિલ્લામાં સૌથી વધુ વરસાદ મેઘરજ અને બાયડ તાલુકામાં અડધો ઇંચ પડ્યો હોવાનું નોંધાયું હતું.

સામાન્ય રીતે માર્ચના પ્રથમ બે દિવસમાં ઉત્તર ગુજરાતમાં સરેરાશ 0.1 મીમી વરસાદના અંદાજ સામે 12 કલાકમાં સરેરાશ 6 મીમી વરસાદ વરસ્યો હતો. એટલે કે, અનુમાન કરતાં 60 ગણો વધુ વરસાદ વરસ્યો હતો. માવઠું થતાં ખેડૂતો ખેતરો તરફ ભાગી કાપણી કરેલા પાકને બચાવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. માવઠાના કારણે ઘઉં, જીરૂ, ઇસબગુલ,તમાકુ, અેરંડા, અજમો, સવા, ઘઉં, વરિયાળી સહિતનાં પાકોની ગુણવત્તા બગડતાં નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ અેક ઇંચ વરસાદ ધાનેરા પંથકમાં વરસ્યો હતો. સાબરકાંઠા ખેતીવાડી અધિકારી બી.જે.જોશીએ જણાવ્યું કે હાલમાં વરસાદનું પ્રમાણ ઓછું છે હાર્વેસ્ટીંગ- કાપણીનો સમય નથી થયો એટલે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ વધુ વરસાદ થાયતો નુકસાન થવાની સંભાવના છે.

મોડાસા, માલપુર, ભિલોડા, બાયડ અને ધનસુરામાં દોઢ ઇંચ અને વડાલીમાં પોણો ઇંચ ખાબક્યો|તલોદના દેવિયામાં વીજળી પડતાં યુવકનું મોત, 2 ઘાયલ

14 વર્ષમાં પાંચમી વખત માર્ચમાં માવઠું

ઉત્તર ગુજરાતમાં વર્ષ 2011થી 2024 સુધીના 14 વર્ષમાં માર્ચ મહિનામાં પાંચ વખત માવઠું થયું છે. 2013 અને 2015માં માર્ચના પ્રથમ સપ્તાહમાં માવઠું થયું હતું.

આગાહી | વાતાવરણ સામાન્ય થશે

હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવાર સવારે વધુ પડતા ભેજના કારણે ઝાકળવર્ષા થઇ શકે છે. વાતાવરણ સામાન્ય થતાં આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ 2 થી 4 ડિગ્રી વધી શકે છે. જ્યારે ઠંડીનું પ્રમાણ 2 થી 3 ડિગ્રી વધી શકે છે.

ઉ.ગુ.ના 47 પૈકી 40 તાલુકામાં માવઠું

{મહેસાણા | વિજાપુરમાં 13 મીમી, બહુચરાજીમાં 12 મીમી, ઊંઝામાં 12 મીમી, ખેરાલુમાં 5 મીમી

{પાટણ | પાટણમાં 8 મીમી, હારિજમાં 6 મીમી, રાધનપુરમાં 6 મીમી, સમીમાં 3 મીમી, સિદ્ધપુર 3

{બનાસકાંઠા | ધાનેરામાં 28 મીમી, ભાભરમાં 21 મીમી, ડીસામાં 19 મીમી, વડગામમાં 17 મીમી

{સાબરકાંઠા | વડાલીમાં 20 મીમી, વિજયનગરમાં 17 મીમી, ખેડબ્રહ્મામાં 5 મીમી, પોશીનામાં 9 મીમી, પ્રાંતિજમાં 5 મીમી, હિંમતનગરમાં 3 મીમી, ઇડરમાં 2 મીમી

{અરવલ્લી| ધનસુરા 4 મીમી બાયડ 11 મીમી ભિલોડા 7મી મી મેઘરજ 10 મીમી મોડાસા 5

શનિવારે વડાલી તાલુકામાં વાતાવરણમાં પલટા સાથે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. અચાનક વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં પાકને નુકસાનની દહેશત જોવા મળી હતી જ્યારે વડાલી તાલુકામાં વરસાદ સાથે કરા પણ પડ્યા હતા.

તલોદ |શનિવાર સાંજે 4:30 વાગે તલોદના દેવિયામાં વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. તે દરમિયાન ગામમાં ઘર આગળ વીજળી પડતાં કામ કરી રહેલ વાઘેલા અરવિંદસિંહ વજેસિંહ (30), નરેન્દ્રસિંહ અલ્પેશસિંહ (13) અને રાઠોડ ભવાનસિંહ બાદરસિંહ (45) વર્ષ પર વીજળી પડતાં ઘાયલ થયા હતા. જેઓને તાત્કાલિક સારવાર અર્થે તલોદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન વાઘેલા અરવિંદસિંહ વજેસિંહનું મોત નિપજ્યું હતું. જ્યારે બાળક અને યુવકને સારવાર અપાઇ હતી.

અનુમાન સામે 60 ગણો વધુ વરસાદઉ.ગુ.માં માર્ચના પ્રથમ બે દિવસમાં સરેરાશ 0.1 મીમી વરસાદ થવો જોઇએ. તેની સામે 12 કલાકમાં સરેરાશ 6 મીમી વરસાદ થયો હતો. એટલે કે, અનુમાન સામે 60 ગણો વધુ વરસાદ વરસ્યો છે. મહેસાણામાં 0.1 મીમીના અનુમાન સામે સરેરાશ 6 મીમી, અરવલ્લીમાં 0.1 મીમીના અનુમાન સામે 3 મીમી તેમજ સાબરકાંઠામાં 0.2 મીમીના અનુમાન સામે 8 મીમી વરસ્યો હતો.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com