માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
ગુજરાતમાં છેલ્લાં સાત વર્ષમાં ટોલટેક્સથી લગભગ 24 હજાર કરોડ રૂપિયાની આવક થઇ છે. કેન્દ્ર સરાકરે રાજ્યસભામાં આપેલા જવાબ મુજબ, ગુજરાતમાં ટોલ ટેક્સ વસૂલતા કુલ 46 પ્લાઝા છે. છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાં 10 નવા ટોલ પ્લાઝા ખુલ્યાં છે. લોકસભામાં અન્ય એક સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 31 નેશનલ હાઇવે પ્રોજેક્ટ કમ્પલિશનનો એકપણ તબક્કો પૂરો કર્યા વિના પેન્ડિંગ ચાલી રહ્યા છે. છેલ્લાં 3 વર્ષમાં રાજ્યમાં 622 કિલોમીટરમાં નેશનલ હાઇવેને નુકસાન થયું છે. ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળ મુજબ, 2019થી 2022 દરમિયાન ગુજરાતમાં માત્ર નેશનલ હાઇવે પર જ 13,348 અકસ્માતોમાં 7682 લોકોનાં મોત થયા હતા. દેશમાં સૌથી વધુ કમાણી કરતાં ટોપ-20 ટોલ પ્લાઝામાંથી ગુજરાતના પાંચ છે.
ગુજરાતમાં નેશનલ હાઇવે પર 7682 મોત
ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળની વેબસાઇટ મુજબ, રાજ્યમાં 2019થી 2022 દરમિયાન માર્ગ અકસ્માતોમાં કુલ 28,630 લોકોના મોત નીપજ્યાં હતા. જેમાંથી 7682 મોત માત્ર નેશનલ હાઇવે પર થયા હતા. ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન 622 કિલોમીટરમાં નેશનલ હાઇવેને નુકસાન થયું છે. જ્યારે 2022-23 અને 2023-24 દરમિયાન નેશનલ હાઇવેના રિપેરિંગ અને મેન્ટેનન્સ ખર્ચ પેટે ગુજરાતમાં 1334 કરોડ રૂપિયા ખર્ચ પણ કરવામાં આવ્યો છે.
વર્ષ | ટોલટેક્સ |
2017-18 | 2510 |
2018-19 | 2745 |
2019-20 | 2984 |
2020-21 | 2721 |
2021-22 | 3642 |
2022-23 | 4519 |
2023-24 | 4782 |
કુલ | 23903 |
(આંકડા કરોડ રૂપિયામાં) |
દેશમાં 697, ગુજરાતમાં 31 પ્રોજેક્ટ પેન્ડિંગ
લોકસભામાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, દેશમાં 2014 બાદ શરૂ થયેલા 697 પ્રોજેક્ટ એવા છે કે જેનો એકપણ તબક્કો પૂર્ણ થયો નથી. ગુજરાતમાં આવા 31 પ્રોજેક્ટ છે.